
કરંજનું ઝાડ રપ થી ૪૦ ફુટ ઉંચા થાય છે. કરંજ નદીકાંઠે કે કોતરોમાં ઉગેલા પણ જોવામાં આવે છે. થડ અને શાખાઓ ભૂરા રંગના હોય છે. તેની કોમળ શાખાઓ નીચી જુકેલી જોવા મળે છે. તેના પાના કાચ જેવા બહુજ ચમકતા અને ઘેરા લીલા રંગના સુંદર હોય છે. તેની શોભા જોવા જેવી હોય છે. ચોમાસુ બેસતા આછા ગુલાબી અને આસમાની ઝાય દેતા સફેદ રંગના નાના નાના ફુલો ઝુમખા બંધ સુંદર લાગે છે.
સવાર પડતા જ ઝાડ નીચે અસંખ્ય પુષ્પો ઝાડમાંથી ખરીને વેરાઇને પડેલા હોય છે. તે ફુલો મોતી વેરાયેલા હોય તેવા લાગે છે. આ દ્રશ્ય ઘર આંગણે વાવેલા કરંજમાં જોવા જેવું હોય છે.
કરંજના બીજ માંથી તેલ નીકળે છે. જે આયુર્વેદની દ્રષ્ટિએ ચામડીના રોગો અને સંધીવા તેમજ સાબુ ઉદ્યોગમાં વાપરાય છે. કહેવાય છે કે તેની છાલ મસામાં ઉપયોગી છે. કરંજનું બીજ પાણીમાં ઘસીને ખસ દાદરમાં વપરાય છે. કરંજનું દાતણતો ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે. કરંજનું દાતણ કરવાથી મુખ સાફ થાય છે. અને કરંજના દાતણ કરવાથી દાંત મજબુત થાય છે. આજથી જ નકકી કરો કે નજીકમાં ઉગેલા કરંજમાંથી દાતણ કાપીને રોજ સવારે કરંજનું દાતણ કરીશું અને હા, આ વર્ષે ઘર આંગણે કરંજનું વૃક્ષ ઉછેરવાનું વિચારો
Photo courtesy : google Image
0 comments