ખેરખટ્ટો પક્ષી ને કેમ ઓળખવું ?

તમને જાણીને આશ્ચર્ય થશે કે મે અને જૂન માસમાં નાના મોટા પક્ષીઓ માળામાં ઈડા અથવા બચ્ચાની રખેવાળી કરતા હોય ત્યારે એક શિકારી પક્ષી તે હડપ કરવા આવી ચડે. દેખાવમાં સુંદર અને અનેક જાતના અવાજ કાઢનાર આ પક્ષીનું નામ છે ખેરખટ્ટો. બસ તેના પંજામાં એક વાર બચ્ચું આવી જાય તો તે બેરહમીથી તેને ચટ કરી જાય. તેનું કદ કાગડા જેવડું પણ શરીર આછા કથ્થાઇ, માથું કાળું, રાખોડી લાંબી પૂંછડી અને તેનો છેડો કાળા રંગનો હોય છે તે એક વૃક્ષથી બીજા પર વિમાનની ઉડાન ભરે છે લાંબા અંતર સુધી પાંખ ફફડાવ્યા વગર ઉડી શકે. આમ તો ખેરખટ્ટો નવા માળાની આસપાસ ફરતો રહે છે, કયારેક મીઠો ટહુકો કરે ને કયારેક નાના પક્ષીઓને એના માળામાંથી ભગાડવા કર્કશ અવાજ કરે. ખાસ કરીને વૃક્ષની ટોચે બેસી “કોકિલા-કોકિલા' બોલે છે. ખેરખટ્ટો જયારે મેટીંગ કરતો હોય ત્યારે માદાને રીઝવવા મીઠો અવાજ કરે છે. તે સાંભળવા જેવો છે. નાના બચ્ચા અને ઈંડા  સિવાય ખેરખટ્ટો કાગડાની જેમ ફળ, જંતુઓ, ગરોળીઓ, દેડકા અને ઉંદર ખાય છે. નર અને માદા સજોડે ફરતા દેખાય છે. તેના માળા બનાવવાનો સમય માર્ચ થી મે અને કાંટાળી ડાળખીઓથી ઉડો માળો બનાવી તેની અંદર પોચા અને બારીક મૂળીયાની પથારી બનાવે છે. તેની અંદર ૪ થી ૫ નોખા નોખા માપ અને રંગના ઈંડા મૂકે છે તેને આછા રાખોડી અને ઉપર લાલાશ પડતા છરકા હોય છે. બંન્ને નર અને માદા એક સરખા દેખાય અને બંને ઈડા સેવવામાં અને બચ્ચા ઉછેરવામાં સરખો ભાગ ભજવે છે. અંગ્રેજીમાં તેને ““ટ્રી પાય” અને બંગાળમાં તેને “ટકા ચોર” તરીકે ઓળખાય છે. ખેરખટ્ટાને કાગડાના પિતરાઇ તરીકે પણ ઓળખવામાં આવે છે પોરબંદર તરફ તેને ઘણા લોકો ગુરદતના નામે ઓળખે છે. ચાંચથી પંછડી માપીએ તો ખેરખટ્ટો ૩૦ સે.મી. (એકકૂટ) લાંબો હોય છે.

0 comments

Add a heading by kheti rajkot